વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?
અમેરિકામાં ડેમોક્રેટ્સની જીત બાદ AI અને ટેક શેરોમાં ભારે વેચવાલી, એશિયન બજારોમાં કડાકો પણ સેન્સેક્સ મજબૂત.

Stock Market Crash: વૈશ્વિક શેરબજારોમાં આજે જાણે બ્લેક ફ્રાઈડે જેવો ભયાનક માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાથી લઈને જાપાન અને દક્ષિણ કોરિયા સુધીના શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો છે. અમેરિકાની ચૂંટણીના પરિણામોએ દુનિયાભરના રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. તાજેતરમાં યોજાયેલી યુએસ મધ્યવર્તી ચૂંટણી 2026 માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની કારમી હાર થઈ છે. આ હારના સમાચાર આવતા જ વોલ સ્ટ્રીટ પર ગભરાટ ફેલાયો હતો અને તેની સીધી અસર શુક્રવારે એશિયન બજારો પર પડી છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજી કંપનીઓના શેરોમાં રોકાણકારોએ ભારે વેચવાલી કાઢી છે.
એશિયન બજારોમાં હાહાકાર: સર્કિટ બ્રેકર લાગ્યા
ટેક શેરોના કડાકાની સૌથી ખરાબ અસર એશિયાના મુખ્ય શેરબજારો પર જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 6% જેટલો તૂટી ગયો છે, જ્યારે ટોપિક્સમાં પણ 5.2% નો મોટો ઘટાડો નોંધાયો છે. દક્ષિણ કોરિયાના શેરબજારમાં તો સ્થિતિ એટલી વણસી ગઈ કે કોસ્પી ઇન્ડેક્સ લગભગ 9% ગગડી ગયો. આ ભારે કડાકાને કારણે દક્ષિણ કોરિયામાં સર્કિટ બ્રેકર્સ લાગુ કરવા પડ્યા અને 20 મિનિટ માટે ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રાખવું પડ્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ASX 200 ઇન્ડેક્સમાં 0.7% અને ન્યુઝીલેન્ડના NZX 50 ઇન્ડેક્સમાં 0.5% નો ઘટાડો જોવા મળ્યો છે. આમ, અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે વૈશ્વિક બજારોમાં રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ભારતીય શેરબજારમાં રાહત: સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
એક તરફ આખી દુનિયાના બજારો તૂટી રહ્યા છે, ત્યારે ભારતીય શેરબજારે રોકાણકારોને મોટી રાહત આપી છે. શુક્રવાર, 6 નવેમ્બરના રોજ ભારતીય શેરબજાર સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ સવારે 271.68 પોઈન્ટ એટલે કે 0.34% ના ઉછાળા સાથે 79,581.69 ના સ્તર પર પહોંચ્યો હતો. તેવી જ રીતે NSE નિફ્ટીમાં પણ શરૂઆતના કારોબારમાં સારી એવી મજબૂતી જોવા મળી છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદી, ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ અને મજબૂત સ્થાનિક સંકેતોએ બજારને ટેકો આપ્યો છે. જોકે, વૈશ્વિક સ્તરે ટેક શેરોમાં જે રીતે કડાકો બોલ્યો છે તેને જોતા ભારતીય રોકાણકારોએ પણ થોડી સાવચેતી રાખવી જરૂરી છે.
અમેરિકામાં ટેક કંપનીઓ ડરમાં કેમ છે?
અમેરિકન ટેક કંપનીઓ Nvidia, Google, Microsoft અને OpenAI માં હાલ ગભરાટનો માહોલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પાર્ટી AI રેસમાં ચીનને પાછળ રાખવા માટે કંપનીઓ પર ઓછા નિયમો લાદવાના પક્ષમાં હતા. પરંતુ હવે ડેમોક્રેટિક પાર્ટી બહુમતીમાં આવતા સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ડેમોક્રેટ્સ નેતાઓ યુરોપના GDPR મોડેલ જેવો જ કડક ડેટા ગોપનીયતા કાયદો અમેરિકામાં લાવવા માંગે છે. તેઓ માને છે કે કોઈપણ નવા AI મોડેલને બજારમાં મૂકતા પહેલા કડક સરકારી ટેસ્ટિંગ થવું જોઈએ. વરિષ્ઠ સેનેટર બર્ની સેન્ડર્સ તો AI ના વધુ પડતા વીજળી અને પાણીના વપરાશ સામે નવા ડેટા સેન્ટરો પર રાષ્ટ્રવ્યાપી રોક લગાવવાની માંગ કરી રહ્યા છે.
આ ઉપરાંત, સેનેટર એલિઝાબેથ વોરેન અને બર્ની સેન્ડર્સ જેવા નેતાઓ Google અને Amazon જેવી કંપનીઓનો એકાધિકાર (Monopoly) તોડવા માંગે છે. હવે કોંગ્રેસના બંને ગૃહોમાં ડેમોક્રેટ્સની બહુમતી હોવાથી ટેક કંપનીઓ માટે મર્જર કે નાની કંપનીઓને ખરીદવી ખૂબ મુશ્કેલ બનશે. આ જ રાજકીય ઉથલપાથલ અને કડક કાયદાઓના ડરથી ટેક શેરોમાં આજે ઐતિહાસિક વેચવાલી જોવા મળી રહી છે.
આ સ્ટોરી પણ વાંચોઃ મેક્સવેલ એન્જિનિયરિંગ IPO ની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી: રોકાણકારોને થયો 99% નો નફો
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નો છેલ્લો ટ્રેડિંગ સેશન: સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર

Stocks In News | 06 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 06 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

મ્યુચ્યુઅલ ફંડ માટે SEBIનો નવો નિયમ: શેરના સોદામાં તાત્કાલિક ભંડોળની જરૂરિયાત ઘટશે




