KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

અમેરિકાના મજબૂત GDP અને ઊંચી PCE મોંઘવારીથી ડિસેમ્બરમાં દર વધારાની આશંકા વધી; હવે અમેરિકાના રોજગાર ડેટા અને 6 નવેમ્બરે ધનતેરસ પર બજારની નજર. કેન્દ્રીય બેન્કોની ખરીદી સપોર્ટ આપી શકે

kuberanow deskPublished On : 2 Nov 2026
RANISHA DR EXPERT SPEAKS.jpeg

અમેરિકાના મજબૂત જીડીપી આંકડા અને પીસીઈ ફુગાવાની સ્થિરતાના પગલે ફેડ રિઝર્વ દ્વારા ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની સંભાવના વધી છે, જેને પગલે ગયા સપ્તાહે સોનાના ભાવમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો અને ભાવ ગગડીને પ્રતિ ઔંસ 3,8874 ડોલરના સ્તરે આવી ગયો હતો, જે ઓક્ટોબર 2025 પછી સોનાનું સૌથી નીચલો બંધ ભાવ હતો. બીજીબાજુ ચાંદીના ભાવમાં 8.8 ટકાનો કડાકો બોલાયો હતો અને ભાવ પ્રતિ ઔંસ 49.13 ડોલરે ગગડી ગયા હતા. ચાંદીએ 50 ડોલરનું મહત્વપૂર્ણ સ્તર પણ તોડ્યું હતું. આ સાથે ટેક્નોલોજી શૅરોમાં આવેલી ભારે વેચવાલીએ પણ કિંમતી ધાતુઓ પર દબાણ વધાર્યું. શૅરબજારમાં નુકસાનની ભરપાઈ કરવા માટે રોકાણકારોએ સોના અને ચાંદી વેચવા પડ્યા. મોટી ગોલ્ડ અને સિલ્વર માઈનિંગ કંપનીઓના શૅરોમાં પણ 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીજીબાજુ ખાડી ક્ષેત્રમાં ટેન્કરો પર હુમલાના કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હતા. મોંઘા ક્રૂડ ઓઈલે મોંઘવારી અને વ્યાજદરમાં વધારાની આશંકા વધારી છે. તેનાથી સોનને સુરક્ષિત રોકાણની માગનો લાભ મળી શક્યો નથી. ગોલ્ડ ETFથી પણ રોકાણકારોની નિકાસ વધી છે, પરંતુ કેન્દ્રીય બેન્કોની સોનાની ખરીદીથી હજુ પણ મજબૂત બની છે. આ સપ્તાહે 6 નવેમ્બરે ધનતેરસ હોવાથી સોનાના ભાવમાં ઘટાડો ભારતીય બજારમાં માગને પ્રોત્સાહન આપી શકે છે. ટેકનિકલરૂપે સોના માટે 3,860 ડોલરનું સ્તર મહત્વપૂર્ણ સપોર્ટ છે જ્યારે તેજીની પુષ્ટી માટે 4,000 ડોલર ઉપર ક્લોઝિંગ જરૂરી છે.


વૈશ્વિક આર્થિક પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ : ફેડે વ્યાજદર જાળવ્યા, આર્થિક આંકડાએ દબાણ વધાર્યું

અમેરિકન ફેડરલ રિઝર્વની FOMC બેઠકમાં બુધવારે વ્યાજદરને 3.75 ટકા-4 ટકાના દાયરામાં સ્થિર રાખવામાં આવ્યો. જોકે, 10-2ના મતદાને ફેડની અંદરના મતભેદો ઉજાગર કર્યા છે. ગવર્નર લિસા કૂક અને ક્લીવલેન્ડ ફેડના અધ્યક્ષ બેથ હૈમેકે વ્યાજદરમાં 0.25 ટકાના વધારાનું સમર્થન કર્યું હતું. ફેડ ચેરમેન કેવિન વોર્શે ડિસેમ્બરની બેઠક અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. ફેડના નિર્ણય પછી સોનાના ભાવ થોડા સમય માટે ગગડીને 4,034 ડોલર સુધી પહોંચ્યા હતા, પરંતુ સાંજ સુધીમાં તેમાં રીકવરી જોવા મળી હતી.


પરંતુ ગુરુવારે જાહેર કરાયેલા અમેરિકન આર્થિક આંકડાઓએ બજારની દિશા બદલી. અમેરિકન બ્યુરો ઓફ ઈકોનોમિક એનાલિસિસ (BEA)ના પ્રારંભિક અંદાજ મુજબ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં અમેરિકન જીડીપી વૃદ્ધિદર વાર્ષિક આધારે 3.4 ટકા રહ્યો, જ્યારે બીજા ક્વાર્ટરમાં તે 2.2 ટકા હતો. સપ્ટેમ્બરમાં PCE મોંઘવારીના આંકડા પણ અપેક્ષા કરતા વધુ રહ્યા. માસિક મોંઘવારી 0.5 ટકા, વાર્ષિક 3.6 ટકા અને કોર PCE મોંઘવારી 3.1 ટકા રહી. મજબૂત આર્થિક વિકાસ સાથે મોંઘવારી ઊંચા સ્તરે જળવાઈ રહેતા સોના માટે નકારાત્મક સંકેત છે. બજાર હવે ડિસેમ્બરમાં વ્યાજદરોમાં 25 બેસિસ પોઈન્ટના વધુ એક વધારાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યું છે. સપ્ટેમ્બરમાં થયેલો વધારો 2023 પછી વ્યાજદરમાં પહેલો વધારો હતો. શુક્રવાર સુધીમાં અમેરિકન 10 વર્ષના બોન્ડ યીલ્ડ વધીને અંદાજે 4.93 ટકા થઈ ગયું હતું. બોન્ડ યીલ્ડમાં વધારાથી સોના જેવા વ્યાજ નહીં આપતા રોકાણનું આકર્ષણ ઘટી જાય છે.


ભૂ-રાજકીય તણાવ : ઓઈલમાં તેજી, સોનામાં કડાકો

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ આઠમા મહિનામાં પ્રવેશ કરી ચૂક્યું છે. ઓક્ટોબર ખાડી ક્ષેત્રમાં સમુદ્રી પરિવહન માટે સૌથી ખરાબ મહિનો રહ્યો. UKMTOના આંકડા મુજબ આ સમયમાં ઓછામાં ઓછા 35 હુમલા નોંધાયા હતા. ગુરુવારે ઈરાનની તીવ્ર ગતિએ દોડતી નૌકાઓએ ટેન્કર લુઈસ-1 પર લિમ્પેટ માઈન્સ લગાવી. શુક્રવારે અન્ય એક ટેન્કર પર પણ વિસ્ફોટક ઉપકરણોથી હુમલો કરાયો હતો. આ ઘટનાઓના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ શુક્રવારે 117.64 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો, જે છેલ્લા છ મહિનાનું ટોચનું સ્તર છે. ઓક્ટોબરમાં તેમાં 13.6 ટકાનો વધારો થયો.


સામાન્ય રીતે યુદ્ધ અને ભૂ-રાજકીય તણાવના સમયે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદી વધારે છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ રહી. મોંઘા ક્રૂડ ઓઈલે મોંઘવારી વધવાની આશંકા વધારી, જેથી અમેરિકન ફેડ દ્વારા વ્યાજદર વધારવાની સંભાવના વધી ગઈ. તેની અસર સોનાના ભાવ પર સુરક્ષિત રોકાણની માગ કરતા વધુ ભારે પડી. 3 નવેમ્બરે અમેરિકન મધ્યવર્તી ચૂંટણી પછી અમેરિકા તરફથી સંભવિત સૈન્ય કાર્યવાહી અથવા તણાવ વધારવાની આશંકા પર પણ ટ્રેડર્સ નજર રાખી રહ્યા છે.


રોકાણ અને રીટેલ માગ

ગોલ્ડ ETFમાંથી રોકાણકારોની વેચવાલી વધી ગઈ છે. 23 ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં ગોલ્ડ ETFથી કુલ 1.21 અબજ ડોલરની શુદ્ધ વેચવાલી થઈ હતી. આ પહેલા સતત 13 સપ્તાહ સુધી ગોલ્ડ ETFમાં રોકાણ આવી રહ્યું હતું. SPDR ગોલ્ડ શૅર્સ (GLD)ના હોલ્ડિંગમાં પણ ઘટાડો આવ્યો. 28 ઓક્ટોબર સુધી GLDનું હોલ્ડિંગ 14.26 ટન ઘટીને 1,043.36 ટન રહી ગયું. ઓક્ટોબરમાં ફંડમાંથી અંદાજે 1.4 અબજ ડોલરની વેચવાલી થઈ હતી. જોકે, આવેચવાલીનો કેટલોક હિસ્સો ઓછા ખર્ચવાળા ETF જેવા GLDM અને IAUMમાં ટ્રાન્સફર થયો હતો. CFTC ડેટા દર્શાવે છે કે 20 ઓક્ટોબર સુધીમાં મની મેનેજર્સની નેટ લોન્ગ પોઝિશન ઘટીને 1,04,206 કોન્ટ્રાક્ટ રહી ગઈ.


જોકે, આ આંકડાઓને વ્યાપક સંદર્ભમાં જોવા જોઈએ.2026નું ત્રીજું ક્વાર્ટર ગોલ્ડ ETF માટે રેકોર્ડ ક્વાર્ટર રહ્યું. આ સમયમાં 31 અબજ ડોલરનું રોકાણ આવ્યું અને ETFના કુલ હોલ્ડિંગમાં 211 ટનનો વધારો થયો. તેથી વર્તમાન વેચવાલીને મોટા સ્તર પર નફાખોરીના રૂપમાં પણ જોઈ શકાય છે. બીજીબાજુ કેન્દ્રીય બેન્ક સતત સોનાની ખરીદી કરી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) મુજબ ઓગસ્ટમાં કેન્દ્રીય બેન્કોએ 39 ટન સોનાની શુદ્ધ ખરીદી કરી. 2026માં અત્યાર સુધીમાં કુલ ખરીદી અંદાજે 170 ટન રહી. ચીનની પીપલ્સ બેન્કે સપ્ટેમ્બરમાં 21 ટન સોનું ખરીદ્યું, જે પાછલા ત્રણ વર્ષોની સૌથી મોટી માસિક ખરીદી છે. પોલેન્ડ ઓગસ્ટ સુધી 98 ટન સોનું ખરીદી ચૂક્યું હતું. કેન્દ્રીય બેન્ક સામાન્ય રીતે તેજીના સમયમાં નહીં પરંતુ ભાવમાં ઘટાડો થતા સોનાની ખરીદી વધારે છે, તેથી લાંબાગાળે સોનાના ભાવને સમર્થન મળે છે. જોકે, તેમની ખરીદી એક સપ્તાહની અંદર ઘટાડાને રોકવાની ખાતરી આપતી નથી.


આ સપ્તાહે 6 નવેમ્બરે ધનતેરસ છે અને સોનાના ભાવમાં આવેલો ઘટાડો ભારતીય ખરીદારો માટે અનુકૂળ તક બની શકે છે. ઓક્ટોબરના મધ્યમાં ભારતીય બજારમાં સોના પર પ્રતિ ઔંસ 6 ડોલર સુધીની છૂટ મળી રહી હતી, પરંતુ માગમાં સુધારાના કારણે ડીલરોએ પાછળથી પ્રતિ ઔંસ 7 ડોલર સુધી પ્રીમિયમ વસૂલવાનું શરૂ કરી દીધું. ત્રણ મહિનાથી વધુ સમય પછી બજારમાં પહેલી વખત પ્રીમિયમ જોવા મળ્યું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ઘરેલુ બજારમાં સોનાના ભાવ અને આયાત સમતા મૂલ્ય વચ્ચેનું ડિસ્કાઉન્ટ પણ ઘટ્યું છે. સપ્ટેમ્બરમાં સરેરાશ ડિસ્કાઉન્ટ પ્રતિ ઔંસ 66 ડોલર જ્યારે ઓક્ટોબરમાં તે ઘટીને પ્રતિ ઔંસ માત્ર 8 ડોલર રહ્યું હતું.


જ્વેલર્સ મુજબ દુકાનો પર ગ્રાહકોના આવાગમનમાં સુધારો થયો છે. જોકે, અનેક રોકાણકારો ખરીદી કરતા પહેલા ભાવમાં સ્થિરતાની રાહ જોઈ રહ્યા છે. સોનાનો પૂરવઠો પણ મર્યાદિત બન્યો છે. સપ્ટેમ્બરમાં ભારતની સોનાની આયાત ઘટીને 1.8 અબજ ડોલર રહી જ્યારે ગયા વર્ષે સમાન મહિનામાં તે 9.6 અબજ ડોલર હતી. MCX પર સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,000ની આજુબાજુ સ્થિર રહેશે તો ધનતેરસ અને આગામી લગ્નની મોસમમાં સિક્કા તથા હળવા વજનના ઘરેણાંની ખરીદી વધી શકે છે.


આ સપ્તાહ પર નજર

સોના અને ચાંદીના બજાર માટે આગામી સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. 3 નવેમ્બરે અમેરિકામાં મધ્યવર્તિ ચૂંટણી યોજાવાની છે. 6 નવેમ્બરે ઓક્ટોબર મહિનાના અમેરિકન નોન-ફાર્મ પેરોલ (NFP)ના આંકડા જાહેર થશે. 6 નવેમ્બરે ભારતમાં ધનતેસરના તહેવારની ઊજવણી થશે. અમેરિકન રોજગારીના આંકડા મજબૂત આવશે તો ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની સંભાવના વધુ મજબૂત થઈ શકે છે. તેનાથી સોના અને ચાંદીના ભાવ પર દબાણ બની શકે છે. આ સિવાય અમેરિકન ચૂંટણી પછી ખાડી ક્ષેત્રમાં સૈન્ય તણાવ વધે તો ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી શકે છે. હાલ મોંઘા ઓઈલની અસર હેઠળ સુરક્ષિત રોકાણની માગની સરખામણીમાં વ્યાજદરો વધવાની આશંકાથી સોના પર વધુ નકારાત્મક અસર થઈ રહી છે.


ટેકનિકલ આઉટલૂક

સોનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલો સપોર્ટ પ્રતિ ઔંસ 3,860 ડોલર, ત્યાર પછી 3,800 ડોલર છે. પ્રતિકારક સ્તર 4,000 ડોલર અને પછી 4,080 ડોલર છે. આ સ્તર તૂટશે તો સોનું નીચેની તરફ 3,860 સુધી જઈ શકે છે. MCX ગોલ્ડ : ઘરેલુ બજારમાં સોનામાં પહેલો સપોર્ટ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,37,500 અને ત્યાર પછી રૂ. 1,35,800ના સ્તરે છે. પ્રતિકારક સ્તર પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,000 અને ત્યાર પછી રૂ. 1,44,300ના સ્તરે છે. ચાંદીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઔંસ 48.80 ડોલર અને પછી 47.00 ડોલર પર સપોર્ટ છે. પ્રતિકારક સ્તર 52.00 ડોલર અને ત્યાર પછી 54.70 ડોલર છે. MCX પર ચાંદીને પ્રતિ કિલો રૂ. 1,76,000 અને પછી રૂ. 1,72,000ના સ્તરે સપોર્ટ મળી શકે છે જ્યારે પ્રતિકારક સ્તર પ્રતિ કિલો રૂ. 1,86,000 અને પછી રૂ.1 ,97,400 પર છે.


લેખિકા : ડો. રેનિશા ચૈનાની

ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ


આ પણ જૂઓ

Disclaimer - ડો. રેનિશા ચૈનાની, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલના ચીફ રિસર્ચ ઓફિસર છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી